VIDEO: દાહોદ કોંગ્રેસમાં દિવાળી જેવો માહોલ, 400 ટેકેદારો સાથે તાલુકા પંચાયત સભ્ય વજીરભાઈ ભુરિયાએ પકડ્યો કોંગ્રેસનો પંજો
VIDEO: ગુજરાતના સરહદી જિલ્લા દાહોદમાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપને મોટો ફટકો પડ્યો છે, કારણ કે દાહોદ તાલુકાની ઉછવાણિયા બેઠકના ચુંટાયેલા સભ્ય વજીરભાઈ ભુરિયાએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.
અન્યાયના આક્ષેપો સાથે રાજીનામું
વજીરભાઈ ભુરિયાએ ભાજપમાંથી રાજીનામું આપતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષમાં તેમની અવગણના કરવામાં આવતી હતી અને પાયાના કાર્યકરો તેમજ લોકપ્રતિનિધિઓને પૂરતું માન-સન્માન કે કામ કરવાની આઝાદી મળતી નહોતી. "ભાજપમાં કાર્યકરો પર અન્યાય થઈ રહ્યો છે" તેવા પ્રહાર સાથે તેમણે કેસરિયો ત્યાગ્યો હતો.
શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસમાં પ્રવેશ
આ પક્ષપલટો માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત રહ્યો નથી. વજીરભાઈ પોતાની સાથે આશરે 400 જેટલા સક્રિય સમર્થકો અને કાર્યકરોને લઈને કોંગ્રેસમાં જોડાયા છે. દાહોદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજેસિંહ પણધા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ દ્વારા તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.
ચૂંટણી પહેલા કોંગ્રેસ મજબૂત
આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓ પહેલા આ ઘટનાક્રમ કોંગ્રેસ માટે બુસ્ટર ડોઝ સામાન માનવામાં આવે છે. તાલુકા પ્રમુખ દિનેશભાઈએ જણાવ્યું હતું કે, જનતા અને જનપ્રતિનિધિઓ હવે ભાજપની નીતિઓથી કંટાળ્યા છે અને કોંગ્રેસ ફરી બેઠી થઈ રહી છે. વજીરભાઈના જોડાવાથી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનું સંખ્યાબળ અને પ્રભાવ વધશે તે નક્કી છે.

