VIDEO: મહુવા ભાજપમાં ભડકો! ઉપપ્રમુખ લલિતભાઈ ભૂતનું રાજીનામું, ટિકિટ કપાતા પક્ષ સામે બગાવતના સૂર!
VIDEO: રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ લલિતભાઈ બાલાભાઈ ભૂતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
રાજીનામા પાછળનું સત્તાવાર કારણ
લલિતભાઈ ભૂતે જિલ્લા પ્રમુખને પાઠવેલા પત્રમાં સત્તાવાર રીતે એવું જણાવ્યું છે કે, "પરિવારની મોટી જવાબદારી આવી ગઈ હોવાથી તેઓ પક્ષના કામમાં પૂરતો સમય આપી શકે તેમ નથી, તેથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે." જોકે, આ પત્ર પાછળની વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે.
ટેલિફોનિક વાતચીતમાં પક્ષ પ્રત્યેનો રોષ છલકાયો
જ્યારે લલિતભાઈ ભૂત સાથે આ અંગે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી, ત્યારે તેમણે સ્ફોટક ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની ટિકિટ કાપવામાં આવતા તેઓ નારાજ છે. છેલ્લા 10 વર્ષથી નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપતા હોવા છતાં ટિકિટ ન મળતા તેમણે આ આકરો નિર્ણય લીધો છે.
અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાની ચીમકી
લલિતભાઈએ માત્ર રાજીનામું આપીને સંતોષ નથી માન્યો, પણ પક્ષને સીધી ચીમકી પણ આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "જો પાર્ટી મને ટિકિટ નહીં આપે, તો હું આગામી સમયમાં અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું." આ નિવેદનને પગલે મહુવામાં ભાજપની વોટબેંકમાં ગાબડું પડવાની શક્યતા સેવાઈ રહી છે.

