Video: Chhota udaipurના જોજવા ડેમમાંથી મળી દુર્લભ 'ચાર આંખવાળી' માછલી, અજગરના ભીંગડાં જેવી રચના
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા જોજવા ડેમમાંથી એક અત્યંત અસામાન્ય અને દુર્લભ ગણાતી 'ચાર આંખવાળી' માછલી મળી આવતાં સ્થાનિક વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું છે. માછલીની આ અનોખી શોધે જળચર જીવવિજ્ઞાનના નિષ્ણાતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને પર્યાવરણ તથા જળચર ઇકોસિસ્ટમના અભ્યાસ માટે એક નવું પાસું ઉમેર્યું છે.
મગરની ચામડી અને અજગરના ભીંગડાં જેવી રચના
આ દુર્લભ માછલીની શોધ સ્થાનિક આદિવાસી માછીમાર ગણપતભાઈ નાયકે કરી હતી. ગણપતભાઈના જણાવ્યા અનુસાર, આ માછલીની શારીરિક રચના અત્યંત વિશિષ્ટ અને હિંસક સ્વભાવની છે, જે ચર્ચાનો વિષય બની છે. માછલીની ચામડી મગરની જેમ ખરબચડી દેખાય છે, જ્યારે તેની પીઠ પર અજગર કે ઝેરી સર્પની ચામડી જેવાં ભીંગડાં છે. માછલીની સૌથી આશ્ચર્યજનક વિશેષતા તેની 'ચાર આંખો' છે, જે તેને અન્ય જળચર જીવોથી તદ્દન અલગ બનાવે છે. ગણપતભાઈએ જણાવ્યું કે આ માછલીઓ ખૂબ જ ઝડપી અને આક્રમક હોય છે, અને તેને પકડવી સરળ નથી.
દોઢ વર્ષ પહેલાં પણ મળી હતી આવી માછલીઓ
આવી દુર્લભ માછલી જોજવા ડેમમાંથી પહેલીવાર નથી મળી. ગણપતભાઈના કહેવા મુજબ, દોઢ વર્ષ પહેલાં પણ ડેમમાંથી બે આવી માછલીઓ મળી આવી હતી. તેમાંથી એક માછલીને કોઈ વ્યક્તિ લઈ ગયું હતું, જ્યારે બીજી માછલીને તેમણે પોતાના ઘરના આંગણામાં બનાવેલા નાના કુંડમાં સાચવી રાખી છે.

