VIDEO: નવસાડીમાં 10 વર્ષથી ફાયર બ્રિગેડની સુવિધાના નામે મીંડું
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નસવાડી તાલુકામાં કુલ 212 ગામો આવેલા છે અને મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે. તેમ છતાં તાલુકા મથકે આગ જેવી ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે તેવી ફાયર બ્રિગેડની વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી. ફાયર બ્રિગેડની સુવિધા નહીં હોવાથી તાલુકાના કોઈ ગામમાં આગની ઘટના બને ત્યારે અન્ય તાલુકા અથવા નજીકના શહેરોમાંથી ફાયર બ્રિગેડ બોલાવવી પડે છે. લોકોનો આક્ષેપ છે કે નસવાડી તાલુકામાં દર વર્ષે કરોડો રૂપિયાના વિકાસના કામો થાય છે. વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ લોકોના જીવ અને મિલકત બચાવવા માટે જરૂરી એવી ફાયર બ્રિગેડની સુવિધા માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.

