VIDEO: નસવાડીમાં દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પમાં ડોક્ટરો અધવચ્ચે જતા રહેતા ભારે હોબાળો મચ્યો
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગોત્રી હોસ્પિટલના ઓર્થોપેડિક, ઈ.એન.ટી. અને મેડિસિન વિભાગના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, દૂર-દૂરના ગામડાઓમાંથી સવારથી ભૂખ્યા-તરસ્યા આવેલા 200થી વધુ દિવ્યાંગ દર્દીઓને તપાસ્યા વિના જ ચારેય તબીબો એકસાથે ગાડીમાં રવાના થઈ જતાં સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાની જાણ થતાં માજી જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તબીબોને પરત બોલાવ્યા હતા અને તેમની સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. તબીબોએ જમવા માટે ગયા હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ એકસાથે દર્દીઓને રઝળતા મૂકીને જતાં તંત્રની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

