chhota udaipur news: ખેંચના દર્દીની સારવાર કરવાનો મહિલા તબીબનો ઇનકાર, પોલીસનું પણ ન સાંભળ્યું

: ભાજપ સરકાર સરકારી હોસ્પિટલમાં અપાતી સારવારની પ્રશંસા કરતી થાકતી નથી, પણ છોટા ઉદેપુર જીલ્લાનાં નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે. એક દર્દીને ખેંચ આવતા તેના પરિજનો તેને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા, પણ ત્યાં તબીબે તેની સારવાર કરવાનો ધરાર ઇનકાર કરી દેતાં દર્દીને રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે દર્દીને રાજપીપળાની હોસ્પિટલ ખાતે લઈ જવાની વ્યવસ્થા કરી
નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર તાલુકામાંથી લોકો સારવાર માટે આવે છે. નસવાડી ટાઉનના એક દર્દીને ખેંચ આવતા તેઓને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. ઈમજન્સી વોર્ડના હાજર કર્મચારીએ આ દર્દીની જાણ કોર્ટ્સમાં રહેતા મહિલા તબીબને કરી હતી પણ કલાકો સુધી તબીબ કોર્ટ્સમાંથી બહાર જ આવ્યા નહોતા. ત્યારબાદ દર્દીના પરિજનોએ તબીબના આ વર્તન વિશે પોલીસને જાણ કરતાં પોલીસ પણ મહિલા તબીબને દર્દીની સારવાર કરવા વિનંતી કરી હતી પણ તબીબે સારવાર કરવાનો ધરાર ઇનકાર કરી દેતાં પોલીસે દર્દીની સ્થિતિ જોઈ તેને તાત્કાલિક રાજપીપળા ખાતે હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી.
ગરીબ દર્દીઓ માટે બનેલી સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની લાલિયાવાડી જોઈ આરોગ્ય વિભાગ મહિલા તબીબ સામે પગલાં ભરશે? જો તબીબની બેદરકારીને લીધે દર્દીનું મોત નીપજ્યું હોત તો જવાબદાર કોણ હોત? તે પણ ચર્ચા સાથે કથળેલી આરોગ્ય વ્યવસ્થાને લઈ તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.

