VIDEO: છોટાઉદેપુરમાં કેનાલોની સફાઈ ન થતાં નર્મદાના પાણી માટે ખેડૂતોમાં ભારે ચિંતા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અમરોલી, પાલસર અને ખોડીયા ગામમાંથી પસાર થતી માઇનોર કેનાલોની નર્મદા નિગમ દ્વારા સમયસર સફાઈ ન કરાતા ઝાડી-ઝાંખરા અને કચરો જામી ગયો છે. છેલ્લા દસ દિવસથી નસવાડી, બોડેલી અને સંખેડા પંથકમાં વરસાદ ખેંચાતા ઊભા પાકને બચાવવા ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. કેનાલમાં પાણી છોડવાનો સમય નજીક આવી ગયો હોવા છતાં કચરો દૂર ન કરાતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.કેનાલોમાં ઝાડી-ઝાંખરાના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાશે, જેથી ખેતરો સુધી પાણી મોડું પહોંચશે અથવા કેનાલ તૂટવાનું જોખમ ઊભું થશે. આદિવાસી વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નર્મદા નિગમ તાત્કાલિક કેનાલોની સફાઈ અને સમારકામ હાથ ધરે. ઊભા પાકને બળતો બચાવવા માટે કેનાલમાં ત્વરિત અને યોગ્ય રીતે સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

