VIDEO: નસવાડીના જીતપુરામાં સિંચાઈ માટે વીજળી ન મળતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતપુરા ગામે સિંચાઈ માટે પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે ખેડૂતો સંપૂર્ણપણે બોરના પાણી અને વીજળી પર નિર્ભર બન્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આપવામાં આવતો વીજ પ્રવાહ વારંવાર ખોટકાઈ જાય છે. આ ઉપરાંત, દિવસે વીજળી ન મળતા અને રાત્રે વીજ પુરવઠો મળતા ખેડૂતોને દીપડાના ભય વચ્ચે રાત્રિના સમયે સિંચાઈ કરવા જવું પડે છે. વારંવારની લાઈન ફોલ્ટની સમસ્યાથી ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે, જેનાથી પાયમાલીની ભીતિ સેવાઈ રહી છે. નસવાડીમાં તંત્રના વલણ સામે વિરોધ નોંધાવવા અને પોતાની સમસ્યા સરકાર સુધી પહોંચાડવા જીતપુરાના ખેડૂતો ગામના સીમાડે ભેગા થઈ "વીજ આપો, વીજ આપો"ના સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોને ૧૦ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ ખેડૂતોને આઠ કલાક પણ સળંગ વીજળી મળતી નથી. આદિવાસી વિસ્તારના ખેડૂતોએ માંગ કરી છે કે વીજ તંત્ર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો આપે, જેથી સમયસર સિંચાઈ કરી ખેડૂતો પોતાના કપાસ, શાકભાજી સહિતના ઊભા પાકને સુકાઈ જતાં બચાવી શકે.

