VIDEO: છોટાઉદેપુરમાં ગેરરીતિની શંકા રાખી કોંગી કાર્યકરોએ સ્ટ્રોંગ રૂમની બહાર ગોઠવાયા
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સૌની નજર મંગળવારે થનારી મતગણતરી પર છે. જિલ્લાની 32 બેઠકો, સાત તાલુકાની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાના EVM હાલ સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે. નસવાડી સેવા સદન ખાતે કોંગ્રેસના કાર્યકરોએ સ્ટ્રોંગ રૂમની બહાર ડેરાતંબુ તાણ્યા છે. ભાજપ ગેરરીતિ કરી શકે તેવા આક્ષેપ સાથે કાર્યકરો રાત-દિવસ નિગરાની કરી રહ્યા છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સાતેય તાલુકા મથકોએ મતગણતરી કેન્દ્રો તૈયાર કરી દેવાયા છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં પરિણામો જાહેર કરી શકાય. છોટાઉદેપુર જિલ્લામાં આગામી મંગળવારે 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે મતગણતરી યોજાશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ સ્ટ્રોંગ રૂમ પાસે જ મતગણતરી કેન્દ્રો તૈયાર કરાયા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

