Chhota Udaipur: ઓરસંગ નદી બે કાંઠે, જોજવા આડ બંધ ઓવરફ્લો, ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના કારણે બોડેલી તાલુકામાં આવેલો ઐતિહાસિક જોજવા આડ બંધ ઓવરફ્લો થયો છે. આ ઘટનાએ સ્થાનિક ખેડૂતો અને નદીકાંઠાના ગામડિયાઓમાં ખુશીનો માહોલ સર્જ્યો છે. ઉપરવાસ અને છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદના પરિણામે નદીનું જળસ્તર ઊંચું આવ્યું છે, જેનાથી આડ બંધ ઓવરફ્લો થયો છે.
વર્ષો પહેલા ગાયકવાડ સરકારના શાસનમાં આ વિસ્તારના ખેડુતો ને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાના પાણી મળી રહે તે હેતુ થી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડ બંધ બનાવામાં આવ્યો હતો. ઐતિહાસિક જોજવા આડ બંધનો મુખ્ય હેતુ આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવું અને નદીકાંઠે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તેની ખાતરી કરવાનો હતો. ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા અને જોજવા આડ બંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આનાથી જમીનનું જળસ્તર ઊંચું આવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે તેવી અપેક્ષા છે.
આડ બંધ ઓવરફ્લો થતાં અદભુત નજારો જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાએ નદીના કાંઠે રહેતા લોકોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. સ્થાનિક નારણભાઈ પટેલે જણાવ્યું, “ઓરસંગ નદીનું આ રૂપ જોઈને અમને ખૂબ આનંદ થયો છે. આડ બંધ ઓવરફ્લો થવાથી હવે અમારા ખેતરોને પાણી મળશે અને પાકનું ઉત્પાદન વધશે.”

