Chhota Udaipur: નસવાડીમાં સરકારનો ખર્ચ માથે પડ્યો; તણખલામાં હાટબજારનો સેડ 2 વર્ષમાં ધોવાઈ ગયો
નસવાડી તાલુકાના તણખલા ખાતે સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે 5 કરોડ રૂપિયાના ખર્ચે હાટબજારનું નિર્માણ કરવામાં આવ્યું હતું.છોટાઉદેપુર જિલ્લા પંચાયતના એક્ઝીક્યુટીવ ઇજનેરને આ કામગીરી સોંપવામાં આવી હતી. ટેન્ડર બહાર પાડી નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરીની દેખરેખમાં કામગીરી કરાવવામાં આવી હતી
હાટબજારમાં ખેડૂતો પોતાના પશુઓ વેચવા અને બેસવા માટે બે મોટા સેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના ફ્લોરિંગ માટે કોંક્રિટનો ઉપયોગ થયો. પરંતુ ગુણવત્તામાં ખામીને કારણે આફસ સેડ તૂટી પડ્યો છે.
હલકી ગુણવત્તાનો માલસામાન
હાટબજારના સેડમાં લોખંડની ચેનલો અને સળિયા હલકી કક્ષાના વપરાયા હોવાને કારણે થોડા જ વરસાદમાં આખો સેડ તૂટી પડ્યો છે. કોંક્રિટનું ફ્લોરિંગ પણ નબળું હોવાથી તૂટી રહ્યું છે અને સળિયા બહાર આવી રહ્યા છે. પશુઓ માટે બનાવેલી હોજમાં હજી સુધી પાણી ભરવામાં આવ્યું નથી, જે તકલાદી સ્થિતિમાં છે. ઓટલા અને શૌચાલયો પણ તૂટી ગયા છે, જેનાથી હાટબજાર બિનઉપયોગી બની ગયું છે. બસ બે વર્ષમાં બિલ્ડીંગો જર્જરિત બની ગયા છે, જેનાથી સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે.
ખેડૂતોની મુશ્કેલી
નસવાડી તણખલા અને આસપાસના 90 ગામોના ખેડૂતો આ હાટબજારમાં પશુઓનો વેપાર કરવા આવતા હતા. પરંતુ હવે સુવિધાઓના અભાવે તેમને રસ્તા પર હાટ લગાવવી પડી રહી છે, જેનાથી સ્થાનિક લોકોમાં નારાજગી છે. ખેડૂતોને શૌચક્રિયા અને પશુઓ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
અધિકારીઓની બેદરકારી
આ કામગીરીમાં ઇજનેરો અને અધિકારીઓએ ગુણવત્તા જાળવવામાં નથી ધ્યાન આપ્યું. સરકારે ખેડૂતો હિત માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી પરંતુ આ ગ્રાન્ટ અધિકારીઓના વાંકે હાલ તો આ હાટબજાર બિનઉપયોગી બન્યું છે સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહીગયા છે
આ સ્થિતિમાં સ્થાનિક લોકો અને ખેડૂતો આશા રાખે છે કે સરકાર આ મામલે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે અને હાટબજારને ફરીથી યોગ્ય બનાવવા માટે પગલાં લેશે. જો નવી કામગીરી થાય અને ગુણવત્તા ધ્યાનમાં રાખવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે છે.

