રાજકીય જગતમાં શોકની લહેર; Gujaratના પૂર્વ વન મંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન

ગુજરાતના રાજકીય ક્ષેત્રે અને ખાસ કરીને આદિવાસી સમાજના અગ્રણી નેતા અને પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવતા આ દિગ્ગજ નેતાના અવસાનથી છોટા ઉદેપુર સહિત સમગ્ર રાજ્યના રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
10 વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ
મોહનસિંહ રાઠવા ગુજરાતના સૌથી સીનિયર અને લોકપ્રિય આદિવાસી નેતાઓમાંથી એક હતા. તેમની રાજકીય સફર અદભુત રહી છે. તે પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન છોટા ઉદેપુર અને પાવી જેતપુર બેઠક પરથી અલગ-અલગ ટર્મમાં કુલ 10 વખત ધારાસભ્ય (MLA) તરીકે ચૂંટાયા હતા. તેમણે ગુજરાત સરકારમાં પૂર્વ વનમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે યોગદાન આપ્યું હતું.
આદિવાસી સમાજના મજબૂત અવાજ
મોહનસિંહ રાઠવાની ઓળખ માત્ર એક રાજકારણી તરીકેની નહીં, પરંતુ આદિવાસી સમાજના હક્કો માટે લડતા એક મજબૂત અગ્રણી તરીકેની હતી. જમીન સાથે જોડાયેલા આ નેતા લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે સક્રિય રાજકારણથી થોડા દૂર હતા અને બીમારી સામે લડી રહ્યા હતા, જે બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

