2 વર્ષ બાદ બાંગ્લાદેશમાં ફરી રાજકીય ઘમાસાણ, શેખ હસીનાની વાપસીની જાહેરાતથી ગરમાયું રાજકારણ

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના 2 વર્ષ પૂરા થવા આવ્યા છે, પરંતુ હવે આ દેશનું રાજકારણ ફરી એકવાર કરવટ લઈ રહ્યું છે. વિદ્યાર્થી આંદોલન બાદ દેશ છોડનારા પૂર્વ પીએમ શેખ હસીનાએ આ વર્ષના અંત સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન દેશનો મિજાજ પારખવા માટે અવામી લીગ બુધવારે એક વિશાળ રેલી કરવા જઈ રહી છે. અવામી લીગના આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના આહવાને એક નવા રાજકીય મુકાબલાની સ્થિતિ સર્જી દીધી છે. આ ઘટનાક્રમ પાર્ટી પ્રમુખ શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાના લગભગ 2 વર્ષ બાદ થઈ રહ્યો છે.
દેશવ્યાપી સરઘસ અને સભાઓનું આયોજન
પાર્ટી પોતાની હાજરી અને તાકાત સાબિત કરવા માટે સમગ્ર બાંગ્લાદેશમાં રસ્તા પર ઉતરી રહી છે. તેમણે જણાવ્યું છે કે, બુધવારે દેશવ્યાપી સરઘસ અને સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખો લોકો સામેલ થાય તેવી આશા છે. અવામી લીગનો દાવો છે કે, શેખ હસીના વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલો ચુકાદો ગેરકાનૂની છે, જે અંતર્ગત શેખ હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. તેઓ આ ચુકાદાના વિરોધમાં રસ્તા પર ઉતરશે.
બાંગ્લાદેશમાં રાજકીય સળવળાટ
તાજેતરમાં BNPના એક સાંસદે સંસદમાં જમાત-એ-ઇસ્લામીનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું અને ફરી એકવાર જમાત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. આના પર જમાતે BNPના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, શું તારિક રહમાનની પાર્ટી અવામી લીગને મુખ્ય વિપક્ષી તાકાત તરીકે જોવા માંગે છે? આવી સ્થિતિ વચ્ચે શેખ હસીના બાંગ્લાદેશમાં પોતાની મજબૂત સ્થિતિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને તેથી જ તેમણે આ રેલીનું આહવાન કર્યું છે.
"વર્તમાન સરકાર નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ"
અવામી લીગે સોમવારે જાહેર કરેલા નિવેદનમાં ટ્રિબ્યુનલની પ્રક્રિયાને 'ગેરબંધારણીય' ગણાવી આક્ષેપ કર્યો કે, વર્તમાન સરકાર નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે, અને વિપક્ષી નેતાઓને પરેશાન કરવા સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. નિવેદનમાં શેખ હસીનાને 'જનતાનો અવાજ' ગણાવીને આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમને રાજકીય રીતે શાંત કરવા માટે આ ગેરકાનૂની ન્યાયિક પ્રક્રિયા દ્વારા મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ સરકાર પડી ભાંગતા શેખ હસીના ભારત આવી ગયા હતા, અને તેમની ગેરહાજરીમાં બાંગ્લાદેશમાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો.

