કારતક માસનો પહેલો શનિવાર: સાળંગપુરમાં ઉમટ્યા ભક્તો, દાદાનો શણગાર-વાઘા બન્યું આકર્ષણનું કેન્દ્ર

જ્યારથી દિવાળી વેકેશન શરૂ થયું છે, ત્યારથી ગુજરાતના વિવિધ તીર્થધામોમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આમાંથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ પણ બાકાત રહ્યું નથી. આ દરમિયાન સાળંગપુરધામમાં સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવારે (25 ઓક્ટોબર) મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે ઊમટી પડ્યા હતા. આ પ્રસંગે દાદાનો શણગાર અને વાઘા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હનુમાનજીને આજે ભારતની વિવિધ ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો.
દાદાને વિવિધ ચલણી નોટોનો શણગાર કરાયો
આજના દાદાના ખાસ શણગાર વિશે માહિતી આપતા પૂજારી સ્વામીએ જણાવ્યું કે, દાદાનું સિંહાસન 10, 20, 50, 100, 200 અને 500ની નોટોથી શણગારવામાં આવ્યું છે.
વૃંદાવનમાં પ્યોર સિલ્કના વાઘા
કારતક મહિનાના પહેલા શનિવારે આજે શણગારમાં દાદાને વૃંદાવનના ખાસ પાંચ દિવસની મહેનતે તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વિશેષ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવ્યા છે અને તેના પર સુંદર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે.
શનિવારે ખાસ આરતીનો લ્હાવો લેવા માટે આજે દાદાના ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જેના કારણે આખું મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું.


