VIDEO: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચકચાર! વર્ષો જૂના કિંમતી દસ્તાવેજોની ચોરી, અધિકારીઓની બેદરકારી પર સવાલ
VIDEO: ભાવનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઘોઘાગેટ વિસ્તારમાં આવેલી મહાપાલિકાની રેકોર્ડ રૂમમાંથી વર્ષો જૂના અને અતિ મહત્વના દસ્તાવેજોની ચોરી થતા મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
માર્ચમાં ચેતવણી મળી હતી, છતાં તંત્ર ઘોરતું રહ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘાગેટ પોલીસ ચોકીની પાછળ આવેલા નગીનદાસ વાણિજ્ય ભવન શોપિંગ સેન્ટરમાં કોર્પોરેશનનો 'ફેરીસ્ત રેકોર્ડ રૂમ' આવેલો છે. નવાઈની વાત એ છે કે, અગાઉ માર્ચ મહિનામાં પણ આ જ રૂમના તાળા તૂટ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તે સમયે જો તંત્ર દ્વારા નક્કર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ મોટી ચોરી અટકાવી શકાઈ હોત. પરંતુ, અધિકારીઓની બેદરકારીને કારણે તસ્કરોને ફરીથી હાથફેરો કરવાનો મોકળો માર્ગ મળી ગયો હતો.
કેવી રીતે થયો ચોરીનો ઘટસ્ફોટ?
આ ચોરીનો ખુલાસો એક અજીબોગરીબ ઘટનાથી થયો છે. આશરે એક સપ્તાહ અગાઉ મોતીબાગ ટાઉન હોલ પાસે પડેલી એક ભંગાર (કન્ડમ) હાલતની જીપમાંથી સરકારી રેકોર્ડના પોટલા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતની ગંભીરતા જોઈને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ જ્યારે રેકોર્ડ રૂમની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે વર્ષ 1984 થી 1990 ના સમયગાળાના અનેક મહત્વના દસ્તાવેજો ગાયબ છે.
પોલીસ ફરિયાદ અને આશંકાઓ
આ ઘટના અંગે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારી મહેન્દ્રભાઈ પરમારે ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલા દસ્તાવેજો 30થી 40 વર્ષ જૂના હોવાથી તે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ચોરી માત્ર ભંગાર વેચીને પૈસા કમાવવા માટે કરવામાં આવી છે, કે પછી આની પાછળ કોઈ ચોક્કસ ફાઈલો કે પુરાવાઓનો નાશ કરવાનું મોટું કાવતરું છે?.
હાલમાં પોલીસ દ્વારા આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ભંગારના ફેરિયાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી સત્ય બહાર આવી શકે.

