પર્યુષણ દરમિયાન પાલિતાણા જતાં જૈન યાત્રાળુઓને રેલવેની ભેટ, ભાવનગર–બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત

પર્યુષણ પર્વ દરમિયાન ટ્રેનોમાં વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા સાથે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ માટેની આ વિશેષ ટ્રેન 16 સપ્ટેમ્બર 2026ના રોજ ઉપડશે. ટ્રેન માટેનું રિઝર્વેશન 11 સપ્ટેમ્બર, શુક્રવારથી શરૂ થશે.
પર્યુષણ પર્વ દરમિયાન ભાવનગરથી આશરે 55 કિલોમીટર દૂર આવેલા જૈનોના પવિત્ર તિર્થ સ્થાન પાલીતાણામાં ભાવિકો જતાં હોય છે, ત્યારે યાત્રાળુઓ ભાવનગર ઉતરીને પાલીતાણા જઈ શકે તે માટે તેમજ તહેવારો અને ધાર્મિક આયોજનો દરમિયાન વધતી મુસાફરોની માગને પહોંચી વળવા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેનથી ભાવનગર અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા પેસેન્જરોને વધારાની રેલ સુવિધા મળશે.
ભાવનગરથી 16મીએ સાંજે 5:40 કલાકે ઉપડશે
ટ્રેન નંબર 09024 ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 16 સપ્ટેમ્બરે ભાવનગર ટર્મિનસથી સાંજે 05:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે, 17 સપ્ટેમ્બરે સવારે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
જ્યારે પરત દિશામાં ટ્રેન નંબર 09023 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ 15 સપ્ટેમ્બરે બાંદ્રા ટર્મિનસથી રાત્રે 07:25 કલાકે ઉપડશે અને 16 સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
બંને દિશામાં 11 સ્ટેશને સ્ટોપેજ
સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. પેસેન્જરોની સુવિધા માટે ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેનનું સંચાલન વિશેષ ભાડા સાથે કરવામાં આવશે.
બુકિંગ ક્યારથી?
ટ્રેન નંબર 09023 અને 09024નું રિઝર્વેશન 11 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. પેસેન્જરો તમામ યાત્રીઓ આરક્ષણ કેન્દ્રો ઉપરાંત IRCTCની અધિકૃત વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી શકશે.

