Bhavnagar News: ભેંસો ચલાવવા બાબતે માલધારીને માર્યો માર, PSI સહિત ચાર સામે ગુનો દાખલ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે માલધારી ભાવેશભાઈ રાધવભાઈ ચોસલા 21 જાન્યુઆરીના રોજ સાંજે પોતાની ભેંસો લઈને વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તો સાંકડો હોવા છતાં ભેંસો સાઈડમાં લેવા બાબતે આ યુવાન અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી ખુંટવડા પોલીસ સ્ટેશનના PSI યાદવ, જસકુભાઈ કામળીયા, GRD જવાન નાગજીભાઈ અને જાડેજા નામના પોલીસકર્મીએ યુવાનને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો.
યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી
આ દરમિયાન GRD જવાને લાકડી (બડો) વડે હુમલો કરતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ટાંકા આવ્યા હતા. એટલું જ નહીં, યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હાલમાં યુવાન હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક મનીષભાઈ નકુમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

