ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે : પૂજ્ય મોરારિબાપુ

શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે.
પૂજ્ય મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. મોરારિ બાપુએ કહ્યું કે, ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે.
શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ
કારતક વદ બીજના દિવસે પૂજ્ય મોરારિ બાપુના પિતા પ્રભુદાસ બાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા શ્રી ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ શ્રી ગેમલદાસજી - ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ 2025 માટે પૂજ્ય મોરારિ બાપુના હસ્તે સન્માનિત થયાં હતા.
પૂજ્ય મોરારિ બાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાં સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યા અને તેઓએ પ્રાસંગિક વાતમાં ગેમલજી બાપુ રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી. સન્માન પસંદગી પ્રક્રિયામાં જયશ્રી માતાજી, રામદાસજી ગોંડલિયા તથા હિતેશગિરી ગોસાઈ હાજર રહ્યા હતા.
આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાં ભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણી લાભ મળ્યો હતો.

