લઠ્ઠાકાંડના 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, વકીલ મંડળે કેસ ન લડવાનો લીધો નિર્ણય

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 6થી વધુ લોકોના મોત નીપજવાના ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં પોલીસે 21માંથી ઝડપી પાડેલા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે તમામ 13 આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે ક્રિમિનલ બાર એસોસિએશને એક ઠરાવ પસાર કરીને આ ગુનામાં સંડોવાયેલા કોઈપણ આરોપીનો કેસ ન લડવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે.
ભાવનગરમાં જ બન્યો હતો ઝેરી દારૂ, મિથેનોલ અને એસેન્સનો કરાયો ઉપયોગ
બનાવ અંગે માહિતી આપતાં ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) મયુરસિંહ ચાવડાએ રીતે સ્વીકાર કર્યો હતો કે આ એક લઠ્ઠાકાંડ છે. તેમણે જણાવ્યું હતું કે, 'આ ઝેરી દારૂ ક્યાંય બહારથી લાવવામાં નહોતો આવ્યો પરંતુ ભાવનગરમાં જ એનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ, ઇથેનોલ અને એસેન્સ સહિતના કેમિકલ્સ અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા. સરખેજના એક ટ્રાન્સપોર્ટર મારફતે આ રો-મટીરિયલ બીજા સ્ટેટમાંથી લાવીને ભાવનગરમાં ડિલિવર કરવામાં આવ્યું હતું.'
પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, 'નરેન્દ્ર નામના શખસે આ દારૂ બનાવ્યો હતો અને તેણે પોતે પણ તેનું સેવન કર્યું હતું, જેના કારણે તેનું પણ મૃત્યુ થયું છે અને તેનું પીએમ મધ્ય પ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ છે, જેની મધ્ય પ્રદેશથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે મોટાભાગનો કાચો અને તૈયાર દારૂનો જથ્થો કબજે કરી લીધો છે.'
21 આરોપીઓ સામે ગુનો નોંધાયો
આ લઠ્ઠાકાંડમાં પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 21 શખસો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી ઝડપાયેલા 13 આરોપીઓને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ થયો છે, પરંતુ પૂરાવા નાશ કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિને જોતાં મૃત્યુઆંક હજુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં પોલીસે કડક ચેકિંગ અને દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરોપીઓના નામ
સંડોવાયેલા મુખ્ય આરોપીઓમાં ગૌતમ સોલંકી, રઈસુદ્દીન, મનોજ, જતીન, ગણેશ, અમન,હર્ષ, નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર (મૃતક), ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સારસ સોલંકી, વિવેક સોલંકી, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, ભાર્ગવ ભટ્ટ, રોહિત ચોહાણ, કેવલ સોલંકી, સુખદેવ સોલંકી અને હાર્દિક બારૈયા સામેલ છે.
વિદેશી દારૂની નકલી બોટલોમાં મિથેનોલયુક્ત દારૂ
મુખ્ય આરોપી ગૌતમ સોલંકી અને મધ્ય પ્રદેશના મૂળ ઉજ્જૈનના તેના સાગરિતોએ સાથે મળીને નકલી દારૂનું નેટવર્ક ઊભું કર્યું હતું. ખાસ કરીને તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી મિથેનોલ સહિતનું કેમિકલ ખરીદીને લાવતા હતા. તેઓ ભાવનગરના વરતેજમાં ગૌતમ સોલંકીના ઘરમાં મિથેનોલયુક્ત દારૂ તૈયાર કરતા હતા. આ દારૂ તેઓ નકલી બોટલોમાં ભરી દેતા હતા. આ માટે તેઓ સસ્તા દારૂની નકલી બોટલો, ઢાંકણા અને નકલી સ્ટીકરો તૈયાર કરાવતા હતા. આ જ બોટલોમાં તેઓ નકલી દારૂ ભરીને વેચતા હતા. આ રીતે તેમણે નકલી દારૂની 250 બોટલ તૈયાર કરી હતી, જેમાંથી પોલીસે 130થી વધુ જપ્ત કરી છે.
મૃતકોના નામ
•ઉપેન્દ્રસિંહ ગોહિલ (ખરકડી ગામના)
•કનકસિંહ ગોહિલ (ભાવનગર)
•કાર્તિક મકવાણા (ભાવનગર)
•ધનશ્યામસિંહ જાડેજા
•નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર' (દારૂ બનાવવાની ફોર્મ્યુલા આપવા ઉજ્જૈનથી આવેલો વ્યક્તિ, જેણે આ દારૂ પીધો હતો)
•હિતેશ પરમાર (શિક્ષક)
પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
•એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા
•ભાવનગર રેન્જ આઈજીએ વરતેજ પોલીસ મથકના પીઆઈ એ.બી.પઢેરીયાને સસ્પેન્ડ કર્યા
•બીટ જમાદાર ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
•ડી સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ
•અનિરૂદ્ધસિંહ જયવંતસિંહ ગોહિલ
•ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ

