VIDEO: ભરૂચમાં ભક્તિભાવપૂર્વક ઉજવાઈ શનિ જયંતી, મંદિરોમાં ભક્તોની ભારે ભીડ
ભરૂચ શહેરમાં શનિ જયંતીના પર્વની ધામધૂમ અને પરંપરાગત ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે શહેરના વિવિધ શનિદેવ મંદિરો ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ કતારબદ્ધ ઊભા રહી શનિદેવના દર્શન કર્યા હતા અને તેલ અર્પણ કરી પૂજન-અર્ચન તેમજ હવન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
વિશેષ કરીને, ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભૃગુ ઋષિ શનિ મંદિરે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યું હતું અને દિવસભર ધાર્મિક સ્તોત્રો, શનિ યાગ, મહાઆરતી તેમજ ભજન કીર્તનની રમઝટ જામી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ શનિભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલોએ ઉપસ્થિત રહી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શનિ જયંતિને લઈ મંદિરો ખાતે ભક્તોની સુવિધા માટે સ્વયંસેવકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ હતી અને વિવિધ સ્થળોએ મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

