VIDEO: પાવરગ્રીડના વિરોધમાં ભરૂચ-અંકલેશ્વરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી
પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને પાવરગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ જમીન સંપાદન માટે યોગ્ય અને પૂરતું વળતર આપવાની છે. ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રેલીને અટકાવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતો રસ્તા પર બેસી જતા અંકલેશ્વર-ભરૂચ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.વિરોધના પગલે અંકલેશ્વર-ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે 2થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વળતર અંગે જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

