VIDEO: કબીરવડ હોડી ઘાટ બંધ, પ્રવાસીઓ મુશ્કેલીમાં, વિવાદ વકર્યો
ભરૂચના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કબીરવડ જવાનો માર્ગ હાલ પ્રવાસીઓ માટે બંધ થતાં મુશ્કેલી ઊભી થઈ છે. મંગલેશ્વરથી કબીરવડ જવા માટે કાર્યરત હોડી ઘાટ તરફ જતો રસ્તો ગ્રામ પંચાયત દ્વારા બંધ કરાવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 44 લાખ રૂપિયાના ખર્ચે ફાળવાયેલા આ હોડી ઘાટ મારફતે છેલ્લા દોઢ વર્ષથી પ્રવાસીઓને નર્મદા નદી પાર કરાવવાની સુવિધા મળતી હતી. જોકે જમીનની માલિકી તેમજ હોડી ઘાટના સંચાલનને લઈને ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ સર્જાયો છે. પંચાયત જમીનનો કબજો અને હોડી ઘાટનું સંચાલન સોંપવાની માંગ કરી રહી છે. વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રવાસીઓને મંગલેશ્વરથી કબીરવડ સુધી હોડી મારફતે પહોંચવાની સુવિધા નહીં મળે. એક તરફ ગ્રામ પંચાયત જમીન અને સંચાલન પર હકનો દાવો કરી રહી છે, તો બીજી તરફ સંચાલક ફાળવણીનો હવાલો આપી રહ્યો છે. હવે વહીવટી તંત્રના નિર્ણય બાદ જ હોડી સેવા ફરી શરૂ થવાની શક્યતા છે.

