અંકલેશ્વર નજીક એક્સપ્રેસ-વે પર 1.43 કરોડના દારૂ સાથે કન્ટેનર ચાલકની અટકાયત, SMCને મળી મોટી સફળતા

અંકલેશ્વરના ખાલપીયા નજીક દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કન્ટેનરમાં લઇ જવાતો રૂપિયા 1.43 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી રૂ.1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કન્ટેનર ચાલકની અટકાયત
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના ખાલપીયા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂના 958 બોક્સ મળી આવ્યા હતા. ઉપરાંત 23,હજાર 460 નંગ બીયર ટીન મળી આવ્યો હતો પોલીસે રૂ રૂ.1.43 કરોડ નો વિદેશી દારૂનો જથ્થો. કન્ટેનર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકના ચાલક અનવરશા મહમંદ હનિફ બેલગાવકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ હરિયાણાથી લવાયો
પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો આ જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે દારૂનો જથ્થો કોના કહેવા પર લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી તેમજ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

