Bharuch news: રૂ.7.30 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયના શરતી જામીન રદ

Bharuch news: ભરૂચ જિલ્લામાં કુલ 16 કામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયના શરતી જામીન રદ કરવામાં આવ્યા છે. ભરૂચના પાંચમા એડિશનલ સેશન્સ જજ પી.એમ.સોનીએ પિતા-પુત્રને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આજે 12 ડિસેમ્બરે હુકમ કર્યો છે. ગત 26 સપ્ટેમ્બરે પિતા-પુત્રને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપ્યા હતા.
અગાઉ પિતા-પુત્રને કોર્ટે શરતી જામાન આપ્યા હતા
ગત એક નવેમ્બરે સરકાર તરફે સરકારી વકીલ પી.બી. પંડ્યા એ જામીન રદ કરવા BNS કલમ 483 (3) મુજબ અરજી કરી હુકમને પડકાર્યો હતો. 29 જુલાઈના રોજ ભરૂચ કોર્ટે બન્નેની મનરેગા કૌભાંડમાં જામીન અરજી ફગાવી દીધી હતી.
આરોપી હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયને ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર થવા આદેશ આપ્યો છે. જો આરોપીઓ 13 ડિસેમ્બરે સવારે 11 કલાકે ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર ન થાય તો ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટને પકડ વોરંટ કાઢી કસ્ટડીમાં લેવા હુકમ કરી શકે છે.
હીરા જોટવા કોણ છે?
હીરા જોટવા વર્ષ-2022માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢથી મેદાન ઉતર્યા હતા. તેમણે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેમણે 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની પણ કામગીરી સંભાળી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા હતા. આ સિવાય તેમણે 2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી હતી. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. હીરા જોટવા ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડ
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતીક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પીયૂષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

