Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Bharuch news: Sunday was a busy day, 5 people died in 4 road accidents in Bharuch district

Bharuch news: રવિવાર ગોઝારો નિવડયો, ભરૂચ જિલ્લામાં 4 માર્ગ અકસ્માતમાં 5 લોકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Bharuch news: રવિવાર ગોઝારો નિવડયો, ભરૂચ જિલ્લામાં 4 માર્ગ અકસ્માતમાં 5 લોકોનાં મોત
સોર્સ : GSTV News

Bharuch news: ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન માર્ગ અકસ્માતના અલગ - અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરિયાદોના આધારે અકસ્માત સર્જનાર ત્રણ વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે. 

App Store

માંડવા મુલદ ટોલનાકા ખાતે નોકરી કરતાં 21 વર્ષીય યુવાનનું મોત
ભરુચના ઝાડેશ્વરના રહેવાસી અને માંડવા મુલદ ટોલનાકા ખાતે નોકરી કરતો 21 વર્ષીય રિતેશ સોમાભાઈ પાટણવાડીયાને માંડવા મુલદ ટોલનાકાથી ભરૂચ તરફના નેશનલ હાઇવે નં. 48 પર અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. રિતેશ ટોલનાકા ઉપરથી નોકરી પતાવી બાઈક પર પોતાના ઘરે પરત જઈ રહ્યો ત્યારે કોઈ અજાણ્યા વાહનના પૈડા રિતેશના માથાના ભાગે ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તેની શોધખોળ શરૂ કરી હતી.

અંકલેશ્વરથી હાંસોટ તરફના ધંતૂરીયા ગામ નજીક અકસ્માતમાં 2 મોત
બીજા બનાવમાં અંકલેશ્વરના નૌગામા ગામ ખાતે રહેતા 40 વર્ષીય પ્રકાશભાઈ સુભાષભાઈ વસાવા રક્ષાબંધનના તહેવાર પર એકટીવા લઈ પત્ની સાથે અભેટા ગામ ગયા હતા. પત્નીને અભેટા ગામ મૂકી તેમના નજીકના સગા ધર્મેશભાઈ અભેસિંગ વસાવા (ઉ. 25) (રહે - અંદાડા ગામ અંકલેશ્વર)ને લઈ પરત અંદાડાથી અભેટા ગામ તરફ જઈ રહ્યા ત્યારે રાત્રીના 9:30 વાગ્યાની આસપાસ અંકલેશ્વરથી હાંસોટ તરફના માર્ગ પર ધંતૂરીયા ગામના પાટીયા નજીક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ અકસ્માતમાં 1નું મોત
ત્રીજા કિસ્સામાં મૂળ બિહારના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો 27 વર્ષીય નીરજ નંદજી પ્રસાદ રક્ષાબંધન પર્વે રજા હોવાથી આજે રાત્રે 1:30 વાગ્યે પોતાનું બાઈક લઇ ભરૂચ પિતાના ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ ઉપર પલ્સ હોટલની સામે એક ટ્રેલર કોઈપણ પ્રકારની આડાસ અથવા ઇન્ડિકેટર કે રિફ્લેકટર બતાવ્યા વગર પાર્ક કરતાં બાઈક સવાર નીરજભાઈ ઘુસી જતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગડખોલ ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ટ્રેલર નંબરના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં 1નું મોત 
અન્ય એક બનાવમાં ભરુચ રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 57 વર્ષીય મનોજભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી સવારે તેઓ બાઈક લઇ સાયખા જીઆઇડીસી તેમની સાઈટ ઉપર જવા નીકળ્યા હતા. તે દરમિયાન વિલાયત ગામથી વોરાસમની ગામ માર્ગની વચ્ચે મનોજભાઈની બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે વાગરા હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.