VIDEO: જાતિ અંગેના દાખલાઓને લઈ આદિવાસી સમાજે અમીરગઢ તાલુકાની શાળાઓમાં બાળકોને ભણવા ન મૂક્યાં
VIDEO: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આજે શાળાઓ વિદ્યાર્થીઓ વગર ખાલીખમ રહેવા પામી હતી. કારણ કે, આદિવાસી સમાજે જાતિના દાખલાને લઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સરકારી કચેરીમાંથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને દાખલા ન નીકળતા આખરે કંટાળીને આદિવાસી સમાજે પોતાના બાળકોને શાળાએ ન મૂકી વિરોધ ઠાલવ્યો હતો. જેથી અમીરગઢ તાલુકાની શાળા રોજ કિલ્લોલ કરતી આજે સાવ વિરાન અને ખાલીખમ ભાસી રહી હતી. શાળાના શિક્ષકો, આચાર્ય અને બીજો સ્ટાફ રાબેતા મુજબ સમય પર આવી ગયો હતો. પરંતુ વિદ્યાર્થીઓ ન આવતા આખરે શાળાના શિક્ષકો ક્લાસરૂમમાં એકલા બેસી સમય પસાર કરવો પડયો હતો.
બનાસકાંઠા જિલ્લાની જે તે સરકારી કચેરીઓમાં આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને જાતિના દાખલા કઢાવવા ઘણા ધક્કા અને નિસાસા ખાવા પડયા હતા. જેથી આ મુશ્કેલીને લઈ અનેક વખત રજૂઆતો કરવા છતાંં કોઈ ઉકેલ ન આવતા આદિવાસી સમાજના લોકોએ પોતાના સંતાનોને શાળાએ ન મોકલવાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેથી બનાસકાંઠા જિલ્લાના ટ્રાયબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થીઓ વિહોણી રહેવા પામી હતી. શિક્ષકો પણ વાલીઓના વિરોધને લઈ કંઈ કહેવાના મૂડમાં નહોતા. જો કે, સરકારી તંત્રએ આ અંગે ઘટતું કરે તો અંતરિયાળ વિસ્તારની ટ્રાયબલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ બગડશે.

