VIDEO: અંબાજીમાં સંતોનો મહાકુંભ: મકરસંક્રાંતિ પર હજારો નાગા સાધુઓ કરશે શાહી સ્નાન, જાણો આખો કાર્યક્રમ
VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજી ખાતે 2026ની મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દસનમ આવાહન અખાડા દ્વારા સાધુ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં નાગા સાધુ-સન્યાસીઓ શાહી સ્નાન કરશે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં શાહી સ્નાનની આ પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવે છે અને આ વર્ષે તેનું પાંચમું આયોજન છે. આ પ્રસંગે ફરી એકવાર અંબાજીમાં સંતોનો જમાવડો જોવા મળશે. કાર્યક્રમની શરૂઆત 11મી જાન્યુઆરીના રોજ સંતોના આગમન સાથે થશે. ત્યારબાદ ગણપતિ પૂજા, ધર્મધજા સ્થાપન, ગૌ-પૂજા અને કન્યાપૂજન જેવી વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે.
મકરસંક્રાંતિ 14મી જાન્યુઆરીએ બપોરે ત્રણ કલાકે શરૂ થતી હોવાથી, મુખ્ય શાહી સ્નાન 15મી જાન્યુઆરીએ સૂર્યોદય સમયે કરવામાં આવશે. આ પવિત્ર દિવસો દરમિયાન રાત્રિના સમયે અંબાજીના માનસરોવર કુંડ ખાતે ગંગા આરતીનું પણ આયોજન કરાયું છે.
15મી જાન્યુઆરીએ સાધુ-સંતોના શાહી સ્નાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. અંબાજી ગામના નાગરિકો અને સાધુ-સંતો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. શ્રી શંભુ પંચદશનમ આવાહન અખાડા શાખા અંબાજી દ્વારા તમામ ભાવિક ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

