VIDEO: પાલનપુરના ન્યાયાલય સંકુલમાં વકીલો જ ધરણા પર બેઠા, કોર્ટ ખસેડવા મુદ્દે સ્થાનિકોને સાથે લઈ આપી આંદોલનની ચીમકી
બનાસકાંઠાના પાલનપુરમાં કોર્ટ ખસેડવાના નિર્ણયને લઈને વકીલ આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જોરાવર પેલેસથી કોર્ટને જગાણા ખસેડવાની કવાયત સામે બાર એસોસિએશન દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો.
બાર એસોસિએશનની આ કોર્ટને હાલના સ્થળે જ રાખવાની માગ
પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલી કોર્ટ કચેરીઓને અન્ય સ્થળે ખસેડવાની તજવીજ સામે વકીલોનો વિરોધ ઉગ્ર બન્યો છે. પાલનપુર બાર એસોસિએશન છેલ્લા લાંબા સમયથી આ કોર્ટને હાલના સ્થળે જ રાખવાની માગ કરી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા આ માગ ન સ્વીકારતા આજે કોર્ટ સંકુલમાં જ વકીલોએ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
વકીલ આલમમાં ભારે રોષ
વકીલોએ સ્પષ્ટ માગ કરી છે કે કોર્ટ સંકુલને જગાણા ખસેડવાની કવાયત તરત જ રદ કરવામાં આવે. આ મુદ્દે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી છે.
સ્થાનિક લોકોને સાથે રાખીને મોટું આંદોલન શરૂ કરવાની ચીમકી
તો એક તરફ તંત્ર દ્વારા કોર્ટ ખસેડવાની કવાયત ચાલુ છે જ્યારે બીજી તરફ વકીલ આલમ આ નિર્ણય સામે સખત વિરોધ કરી રહ્યો છે. આ મુદ્દો હવે માત્ર વકીલો પૂરતો સીમિત નહીં રહે તેવી સંભાવના છે, કારણ કે બાર એસોસિએશને સ્થાનિક લોકોને સાથે રાખીને મોટું આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આથી હવે જોવાનું રહેશે કે તંત્ર આ વિરોધને ધ્યાનમાં લઈ નિર્ણય પર પુનર્વિચાર કરે છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર બને છે.

