VIDEO: દીવા તળે અંધારું! ડીસામાં મનરેગા કર્મચારીઓ 5 મહિનાથી પગાર વગર, કાળી પટ્ટી બાંધી સરકાર સામે નોંધાવ્યો વિરોધ
VIDEO: સરકારની મહત્ત્વપૂર્ણ ગણાતી મનરેગા યોજનાના કર્મચારીઓ આજે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. ડીસા તાલુકામાં કાર્યરત મનરેગા કર્મચારીઓએ છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા સરકાર સામે બ્યૂગલ ફૂંક્યું છે. હાથ પર કાળી પટ્ટી બાંધી અને કચેરીમાં હાજર રહી 'પેન-ડાઉન' હડતાળ પાડીને કર્મચારીઓએ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
નવેમ્બર 2025થી પગારના ફાંફા, કર્મચારીઓ દેવાદાર બન્યા
ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2025થી કર્મચારીઓનો પગાર બાકી છે. આ અંગે કમિશનર (ગ્રામ વિકાસ) અને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. પગાર વગર ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને કર્મચારીઓ દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યાજે નાણાં લેવા અથવા દેવું કરવા મજબૂર બન્યા છે.
માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગર ખાતે આંદોલન
યુનિયન પ્રમુખ રાકેશભાઈ અને અન્ય આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પગારની ચુકવણી અને અન્ય પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો, સમગ્ર રાજ્યના મનરેગા કર્મચારીઓ ગાંધીનગર ખાતે સરકારનો ઘેરાવ કરશે. હાલમાં કર્મચારીઓને મનરેગા સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવશે તો પણ તેઓ વિરોધ સાથે કામ કરશે તેવું નક્કી કરાયું છે.
તંત્ર સામે સવાલો
એક તરફ સરકાર રોજગારીની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સરકારી યોજનામાં કામ કરતા શિક્ષિત યુવાનોને 5 મહિના સુધી પગાર ન મળવો એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. કર્મચારીઓના આર્થિક અને માનસિક શોષણને કારણે હવે આ લડત રાજ્ય સ્તર સુધી પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

