Video/ વાવ-થરાદ પંથકમાં કેનાલો ઓવરફ્લો, ઊભો પાક બગડ્યો, કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ? - ખેડૂતોનો આક્રોશ
બનાસકાંઠાના સરહદી પંથકમાં સિંચાઈની કેનાલોની જાળવણી અને સફાઈના અભાવને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધાનેરા તાલુકાના ચોથાનેસડા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર સહિત કુલ ચાર કેનાલો ઓવરફ્લો થઈ છે, જેના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે.
એક તરફ વેડફાટ, બીજી તરફ પાણીની તંગી
એક તરફ તંત્ર દ્વારા કેનાલોમાં સાફ-સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતાં કેનાલો તૂટવાનો અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત છે. કેનાલોમાં માટી તેમજ કચરો ભરાઈ જવાથી પાણીનું વહન અટકે છે અને તે ઓવરફ્લો કે તૂટવા લાગે છે. આના કારણે એક બાજુ છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી.
ખેતરોમાં પાણી ફરી વળતાં મોટું નુકસાન
નિયમોનું પાલન ન થવાના કારણે ઓવરફ્લો થયેલું કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળે છે, જેનાથી ખેડૂતોને ઉભા પાકમાં મોટું નુકસાન થાય છે. ગતરોજ પણ આ વિસ્તારમાં ત્રણ કેનાલોમાં મસમોટા ગાબડાં પડ્યા હોવાની ઘટના સામે આવી હતી.
ગ્રાન્ટ છતાં બેદરકારી
ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા કેનાલોની સાફ-સફાઈ અને જાળવણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં, કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલો તૂટી રહી છે, જે તપાસનો વિષય છે.

