VIDEO: અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ
ભાદરવી પૂનમનો મહામેળો પૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પરંપરાગત પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. મંદિરના ગર્ભગૃહ, ચાચર ચોક, માતાજીના શણગારના આભૂષણો સહિત પૂજા વિધિમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પ્રક્ષાલન વિધિમાં મંદિરના સ્ટાફ, પૂજારીઓ, પરંપરાગત સોની પરિવાર અને ગ્રામજનો જોડાયા હતા. મંદિરની સ્વચ્છતા અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી સોમવારે બપોરે 1:30 કલાકે આ વિધિ યોજાઈ હતી. જોકે, મોટી સંખ્યામાં વીઆઈપી લોકો આવતા ગ્રામજનોને પાવડી મુકાવવામાં મુશ્કેલી પડી હતી.
મોટી સંખ્યામાં યાત્રાળુઓ મંદિર પરિસરમાં આવતા હોવાથી મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મહામેળા બાદ પ્રક્ષાલન વિધિ યોજાય છે. આ વિધિ દરમિયાન મંદિર પરિસરની સફાઈ સાથે માતાજીના વિવિધ આભૂષણોની પણ સફાઈ કરવામાં આવે છે. સોની પરિવાર દ્વારા માતાજીના આભૂષણોની સફાઈ કરી સોનાની નાની પુતળી પણ દાનમાં અર્પણ કરવામાં આવી હતી. જોકે, મોટી સંખ્યામાં વીઆઈપી લોકો આવતા સ્થાનિક લોકોને પાદુકા મુકાવવામાં મુશ્કેલી પડી હોવાની વાત પણ સામે આવી હતી.

