VIDEO: પાલનપુરના ભાગળ ગામમાં ATSની મોટી કાર્યવાહી, ત્રણ શંકાસ્પદ આતંકીઓનું કર્યું રિકન્સ્ટ્રક્શન
રાજ્યમાં રથયાત્રા પહેલાં ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધ ધરાવતા શંકાસ્પદોની ધરપકડના કેસમાં હવે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. તપાસના ભાગરૂપે ATSએ પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં ત્રણ શંકાસ્પદોને લઈ જઈ ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તપાસ એજન્સીઓ હવે સમગ્ર નેટવર્કના વિવિધ પાસાઓની સઘન તપાસ કરી રહી છે..
ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધ ધરાવતા 8 શંકાસ્પદોની ધરપકડ બાદ તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ તપાસના ભાગરૂપે બનાસકાંઠા પાલનપુર તાલુકાના ભાગળ ગામમાંથી ઝડપાયેલા ત્રણ શંકાસ્પદોને ATSની ટીમ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમના ગામે લઈ પહોંચી હતી. અહીં ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તપાસ સાથે જોડાયેલા વિવિધ તથ્યોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવેલા ત્રણ શંકાસ્પદોમાં ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા અને અહમદ અબ્દુલ્લા ગાજીવાળાનો સમાવેશ થાય છે. જેમાં બે સગા ભાઈઓ અને તેમના સગા મામાનો સમાવેશ થાય છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘઘા કથિત રીતે રાજ્યની બહાર તાલીમ લઈને આવ્યો હોવાની માહિતી તપાસ દરમિયાન સામે આવી છે. તેમજ તેણે પોતાના બંને ભાણેજોને પણ આ કથિત પ્રવૃત્તિમાં સામેલ કર્યા હોવાનો તપાસ એજન્સીઓનો દાવો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુદસ્સિર અને અહમદ બંને ભાઈઓ તેમની વિધવા માતા સાથે રહેતા હતા. હાલ સમગ્ર કેસમાં તપાસ એજન્સીઓ તમામ પાસાઓની સઘન તપાસ કરી રહી છે.

