બનાસકાંઠા: ડીસા પંથકમાં ફટાકડાના વેપારીના મોતે મચાવ્યો હંગામો, પત્રકાર પર મોટા આરોપ
બનાસકાંઠાના ડીસા પંથકમાં મોટી હલચલ જોવા મળી છે. ડીસામાં ફટાકડાના વેપારીના મોતે હંગામો મચાવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક વેપારી મુકેશ ઠક્કરનું રહસ્યમય મોત થયું છે. જેને લઈ વેપારીઓએ કહેવાતા પત્રકારો પર ગંભીર આક્ષેપ ઉઠાવ્યા હતા. બીજી તરફ અહીં દર્શાવેલ વીડિયો પણ ડીસાથી સામે આવ્યો છે, જેમાં વેપારીઓએ એક પત્રકાર પર નશામાં ધૂત થઈ ખંડણી માંગતો આરોપ મૂક્યો છે.
વેપારીઓનો ચોંકાવનારો આરોપ
ડીસમાં આ ફટાકડાના વેપારીનું મોત થતા, ઘણા વેપારીઓએ કહેવાતા પત્રકારો ખંડણી માંગતા હતા તેવા આરોપ લગાવ્યા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે, દિવાળી પહેલાથી ચાલુ ખંડણીની પત્રકારની ધમકીઓ બાદ તકરાર દરમિયાન વેપારીનું મોત થયું હતુ.
વેપારીઓનું કહેવું છે કે, તેમના વેપારી મિત્રને હેરાન કરાયો હતો. તેમણે જણાવ્યું કે, અમારા મિત્રને માનસિક રીતે હેરાન કરાયો, કોલ રેકોર્ડિંગ પણ છે. આ વેપારીઓએ પોલીસ ફરિયાદની માંગ સાથે મૃતક વેપારીની લાશ સ્વીકારવાનો ઈન્કાર પણ કર્યો હતો. મૃતકના પરિવારજનો અને વેપારીઓની ન્યાય માટે ગર્જના જોવા મળી છે. તેમનું કહેવું છે કે, દોષીઓને પકડો નહીં તો લાશ સ્વીકારીશું નહીં. તો બીજી તરફ પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે પણ ખંડણી માંગતા પત્રકારો સામે આક્ષેપ કર્યા હતા.
બીજી તરફ વેપારીની મોત હત્યા, અકસ્માત કે અન્ય કારણથી થઈ, આ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ વચ્ચે ડીસામાં વેપારીના મોતથી પંથકમાં ભારે ચકચાર મચી છે.

ફટાકડાના મૃતક વેપારી: મુકેશભાઈ ઠક્કર

