VIDEO: મોડાસા શહેરમાં ડામર રોડની હાલત ખરાબ, નગરજનોમાં રોષ
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વિકાસના નામે બનાવાયેલ ડામર રોડ હવે પોતે જ પોતાની કહાની કહી રહ્યો છે. મુખ્ય ચાર રસ્તાથી સહયોગ ચોકડી સુધી તાજેતરમાં બનાવાયેલ રોડ પર ડામર એવી રીતે પીગળવા લાગ્યું છે કે જાણે ગરમી નહીં પરંતુ કામની ગુણવત્તા જ ઓગળી ગઈ હોય.
હજુ તો ઉનાળાની શરૂઆત છે અને તાપમાન માત્ર 30 ડિગ્રી આસપાસ છે, પરંતુ રોડ પરનુ પીગળેલો ડામર પગ નીચે ચોંટે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાહદારીઓ ચાલે તો પગ ચોંટે અને વાહનચાલકો પસાર થાય તો વાહનોના ટાયર પર ડામર ચોંટીને બહાર આવે છે. આને લઈ અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે.
સવાલ એ છે કે જો 30 ડિગ્રીમાં જ રોડની આ હાલત છે તો જ્યારે તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચશે ત્યારે આ રોડની કેવી સ્થિતિનું નિર્માણ થશે? સ્થાનિક નગરજનો હવે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે તાજેતરમાં બનેલા રોડની આવી હાલત પાછળ જવાબદાર કોણ?
આ મામલે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠે માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જાણ કરી રોડનું સમારકામ કરવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. નગરજનોની માંગ છે કે પીગળેલા રોડ પર તાત્કાલિક સમારકામ કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ પીગળેલા રોડને ઠંડક આપે છે કે પછી લોકોના સવાલો વધુ ગરમ બનશે?

