Video/ ખંભાતમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને તોડફોડથી તણાવપૂર્ણ માહોલ
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. નાના બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીનો મામલો વધતા મોટેરાઓ પણ તેમાં ઉતરી પડ્યા હતા અને વાત તોફાનમાં ફેરવાઈ હતી.
માહિતી મુજબ શહેરના જાગનાથ મહાદેવની ચાલી વિસ્તારમાં તોફાની તત્ત્વો બેફામ બની ગયા હતા. વિસ્તારમાં ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આશરે 10 જેટલા ઘરો પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હતી તેમજ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
સ્થાનિકોના આક્ષેપ મુજબ તોફાની ટોળાએ એક મકાનનું તાળું તોડી અંદરથી ટીવી પણ લઈ ગયા હતા. જાગનાથ મહાદેવ ચાલી વિસ્તારમાં વણકર સમાજના આશરે 20 જેટલા ઘરો આવેલા છે. આ દરમિયાન ચુનારા સમાજના 100થી વધુ લોકોનું ટોળું વિસ્તારમાં ઘસી આવ્યું હતું અને મકાનોના દરવાજા તોડી તેમજ વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
નાના બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીનો મામલો અચાનક ઉગ્ર બનતા તોફાની તત્ત્વોએ હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
આ સમગ્ર મામલે સ્થાનિક નવીનચંદ્ર મોઠીયારાએ જણાવ્યું હતું કે અચાનક મોટી સંખ્યામાં લોકો આવી પથ્થરમારો અને તોડફોડ કરી ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

