Video/ Anand માં જાહેર શૌચાલયની દીવાલ પર દોરાયું ગાંધીજીનું ચિત્ર, સ્થાનિકોમાં આક્રોશ
આણંદના વલ્લભવિદ્યાનગરમાં એક સંવેદનશીલ ઘટનાને કારણે સ્થાનિક લોકોની લાગણી દુભાઈ છે અને તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. અહીંના જાહેર શૌચાલયની દીવાલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
'સ્વચ્છતાના આગ્રહી'નું અપમાન?
આણંદ-કરમસદ મહાનગરપાલિકા દ્વારા આર્કિટેક કોલેજની ચોકડી પાસે આવેલી બીવીએમ કોલેજની બોયઝ હોસ્ટેલની બાજુમાં આવેલ જાહેર શૌચાલયની દીવાલ પર મહાત્મા ગાંધીજીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજી સમગ્ર જીવન દરમિયાન સ્વચ્છતાના આગ્રહી રહ્યા હતા, ત્યારે તેમના ચિત્રને જાહેર શૌચાલય પર દોરવું એ તેમનું અપમાન છે, તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કૃત્યથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.
સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
સ્થાનિક રહીશ જીગર અજીતસિંહ વાઘેલા દ્વારા આ મામલે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે આણંદ-કરમસદ મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ જાહેર શૌચાલય પર દોરેલ મહાત્મા ગાંધીજીનું ચિત્ર હટાવી લેવામાં આવે. રાષ્ટ્રપિતાનું અપમાન કરતું આ ચિત્ર તુરંત દૂર થવું જોઈએ."
સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા સત્વરે પગલાં ભરી આ વિવાદાસ્પદ ચિત્રને દૂર કરે, જેથી રાષ્ટ્રપિતાના સન્માનની જાળવણી થઈ શકે.

