VIDEO: આણંદના બોરસદમાં સાડા પાંચ ઈચ વરસાદથી જળબંબાકાર
આણંદ જિલ્લામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદની વ્યાપક અસર હવે માર્ગો પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. બોરસદથી પેટલાદને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું વહેરા ગામનું તળાવ ઓવરફ્લો થઈ જતાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી સીધા રોડ ઉપર ફરી વળ્યાં છે. હાલ ભલે વરસાદે થોડો વિરામ લીધો હોય, પરંતુ આકાશમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. જો આગામી સમયમાં વધુ વરસાદ ખાબકશે, તો આ મહત્વપૂર્ણ માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સંભવિત જોખમને ટાળવા માટે બોરસદ પોલીસે તકેદારીના ભાગરૂપે વાહનચાલકોને હાલ આ માર્ગનો ઉપયોગ ન કરવા માટે ખાસ સલાહ આપી છે. આ સાથે જ પેટલાદ તરફ અવરજવર કરતા નાગરિકો અને વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગ તરીકે વાયા દેદરડા થઈને પસાર થવાની ખાસ અપીલ કરવામાં આવી છે.

