VIDEO: 'ઘરોમાં પાણી ઘૂસ્યા, હાઈવે ઠપ્પ, 3 વર્ષની બાળકી પાણીમાં તણાઈ ગઈ' ; અમરેલીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. લાઠી લીલીયા સ્ટેટ હાઈવે પર ગાગડિયા નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો. લુવારિયા ગામ નજીક પાણી રોડ પર ફરી વળતા ડ્રાઇવઝન રોડ પણ પાણીમાં ગરકાવ થયો. રોડનું કામ ચાલી રહ્યું હતું અને ડાઇવઝન પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલી વધી છે. અમરેલી જિલ્લામાં ગત રાત્રિથી શરૂ થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગીર અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી જિલ્લાની મુખ્ય નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે અનેક માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
વાહનવ્યવહાર ઠપ્પ: હાઈવે અને કોઝવે બંધ
અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે બંધ: મોટા ગોખરવાળા પાસે કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાધિત થયો છે. સતત બે કલાકથી વધુ સમયથી વાહનોની અવરજવર બંધ રહેતાં રોડની બંને સાઈડ વાહનોની લાંબી લાઈનો લાગી છે અને વાહનચાલકો અટવાયા છે. વડિયાના ખાણ ખીજડીયાથી ઢૂંઢીયા પીપળીયા જવાનો માર્ગ સુરવો નદીના પાણીના પ્રવાહમાં માટીનો કોઝવે ધોવાઈ જતાં બંધ થઈ ગયો છે.
નદીઓમાં ઘોડાપૂર અને ડેમ ઓવરફ્લો
શેત્રુંજી અને નાવલી નદી બે કાંઠે: ગીર પંથકમાં ભારે વરસાદને પગલે ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરાંત, લીલીયા શહેરની મધ્યમાંથી વહેતી નાવલી નદીમાં પણ નવા નીર આવતાં કાંઠાના વેપારીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઠેબી ડેમના દરવાજા ખોલાયા: ઉપરવાસમાં પાણીની આવક વધતાં ઠેબી નદીના બે દરવાજા 0.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવા કે અમરેલી, ફતેપુર, પ્રતાપરા અને ચાપાથળ ગામોને એલર્ટ કરી નદીના પ્રવાહથી દૂર રહેવા સૂચના અપાઈ છે.
સોનલ ડેમ ઓવરફ્લો: મોટી કુંકાવાવ ખાતે આવેલો સોનલ ડેમ ધીમી ધારે પડેલા વરસાદથી ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની દુર્દશા
અમરેલી શહેરમાં પાણી ભરાયા: અમરેલીના લાઠી રોડ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રોડના ચાલુ કામ અને પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં ઘરોમાં ગોઠણસમા પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
ધારીના કેનાલપરા ગામે ગત રાત્રે 7 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેડૂતોનો તૈયાર પાક પાણીમાં ડૂબી જતાં ફરીથી વાવણી કરવાનો વારો આવ્યો છે.
દુઃખદ ઘટના: 3 વર્ષની માસૂમ બાળકી તણાઈ
લાઠીના માલવિયા પીપરિયા ગામ નજીક બપોરના સમયે પાણીના વોકળામાં અચાનક પૂર આવતાં ખેતમજૂર પરિવારની 3 વર્ષીય માસૂમ બાળકી 'નંદની' ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. છેલ્લા 3 કલાકથી વધુ સમયથી તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં બાળકીની શોધખોળ અને રેસ્ક્યૂ કામગીરી તેજ કરવામાં આવી છે.

