VIDEO: અમરેલી ભાજપમાં બળવો કે વ્યથા? ડૉ. ભરત કાનાબારે ભાજપના '60 વર્ષના નિયમ'ને ગણાવ્યો ગેરબંધારણીય!
VIDEO: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીએ એક મોટો અને કઠોર નિર્ણય લીધો છે કે 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવશે નહીં. આ નિર્ણય સામે અમરેલીના જાણીતા અને પીઢ ભાજપ નેતા ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર પોતાની ભડાસ કાઢી છે. તેમણે આ નિર્ણયને માત્ર અતાર્કિક જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધનો ગણાવ્યો છે.
પ્રતિનિધિત્વમાં વડીલોનો અન્યાય કેમ?
ડૉ. કાનાબારે તેમના ટવિટ સીધો પ્રહાર કરતા લખ્યું કે, "જનતંત્રમાં વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ છે, પણ પ્રતિનિધિત્વ આપવું નથી. આવો અન્યાય કેમ ચાલે?" તેમણે પક્ષને અરીસો બતાવતા કહ્યું કે, ભાજપ હંમેશા ભારતીય સંસ્કૃતિની ઉદ્દાત પરંપરાના ગુણગાન ગાય છે, તો શું હવે પક્ષ એવા 'કૃતઘ્ની પરિવારો' ની હરોળમાં બેસવા માંગે છે જ્યાં વડીલોની અવગણના થાય છે?
માનસિક અને શારીરિક ક્ષમતા પર સવાલ?
આ નિર્ણયથી એવી છાપ ઊભી થાય છે કે 60 વર્ષ પછી વ્યક્તિ જવાબદારી લેવા સમર્થ નથી. ડૉ. કાનાબારના મતે આ નિર્ણય વરિષ્ઠ નાગરિકોના આત્મવિશ્વાસ પર કારમો પ્રહાર છે. તેમણે ઉમેર્યું કે, અનુભવ અને વ્યવહારકુશળતા એ રાજકારણમાં અમૂલ્ય છે. જો આ રીતે અનુભવી વર્ગને બાકાત કરી દેવામાં આવશે તો સમાજ અને લોકશાહી તેમના ડહાપણથી વંચિત રહી જશે.
દૂરોગામી અસરોની ચેતવણી
ડૉ. ભરત કાનાબારે પક્ષના મોવડી મંડળને વિનંતી કરી છે કે આ નિર્ણય પર વ્યાપક ચર્ચા થવી જોઈએ. કારણ કે આ નિર્ણય લોકશાહીના માપદંડો મુજબ અલોકતાંત્રિક અને ગેરબંધારણીય પણ છે. અમરેલી પંથકમાં આ ટવિટ બાદ ભાજપના જૂના અને પીઢ કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે, જે ચૂંટણી ટાણે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.

