જાફરાબાદ બન્યું ગુજરાતનું મહત્વનું બંદર, આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશામાં ચમકતું થયું નામ
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલું જાફરાબાદ શહેર હવે માત્ર માછીમારોનું ગામ નથી, પરંતુ કરોડોની કમાણી કરતુ કેન્દ્ર બની ગયું છે. અહીંથી દર વર્ષે આશરે 450 કરોડ રૂપિયાનો માછલીનો વ્યવહાર થાય છે. ખાસ કરીને બૂમલાં માછલી (bombay duck) માટે જાફરાબાદનું નામ હવે આંતરરાષ્ટ્રિય દરિયાઈ નકશામાં ચમકતું થયું છે.
450 કરોડ રૂપિયા સુધીનો માછલી વ્યવહાર
જાફરાબાદ શહેર માત્ર પાકૃતિક સુંદરતા માટેજ નહિં પરંતુ તેની દરિયાઈ સંપત્તિ માટે પણ વિશ્વભારમાં જાણીતું છે. ખાસ કરીને અહીંથી મળતી બૂમલાં માછલી (bombay duck-locally knownas bumla machhi) માટે જાફરાબાદનું નામ સમગ્ર દેશ અને વિદેશમાં ગુજે છે. દર વર્ષે અહીંથી આશરે 450 કરોડ રૂપિયા સુધીનો માછલી વ્યવહાર થતો હોવાનું માછીમારો જણાવે છે. જે આ વિસ્તારની આર્થિક રીઢ તરીકે ગણાય છે.
હાલમાં લગભગ 700 બોટો કાર્યરત
જાફરાબાદના અનુભવી સાગરખેડુ હમીર સોલંકી જણાવે છે કે, તેઓ છેલ્લા 30 વર્ષથી દરિયાઈ ખેતી સાથે સંકળાયેયા છે. તેમણે કહ્યું કે, મેં 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે મારી પાસે બે બોટ છે અને મારો એક માત્ર રોજગાર માછીમારીનો છે. જાફરાબાદ બંદરે હાલમાં લગભગ 700 બોટો કાર્યરત છે અને 5000થી વધુ લોકો સીધા માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે.
માછીમારો 10 દિવસ સુધી દરિયામાં રહે અને પછી માછલીને કિનારે લવાય
જાફરાબાદ દરિયા કિનારે ખાસ કરીને બૂમલાં માછલીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ માછલી જાફરાબાદ બંદરથી આશરે 50 નોટિકલ માઈલ દૂરના ઊંડા દરિયામાં પકડી શકાય છે. માછીમારો 10 દિવસ સુધી દરિયામાં રહે છે અને પછી માછલીને કિનારે લાવે છે. બાદમાં આ માછલીને ખાશ પદ્ધતિથી સૂકવવામાં આવે છે. કારણ કે, બૂમલાં માછલીનું સૌથી મોટુ બજાર સૂકવેલી સ્વરૂપમાં જ છે. એકવાર સુકાઈ જાય પછી તેને બંધ બનાવીને પેક કરવામાં આવે છે અને બિહાર, ઓડીશા, કોલકાતા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મુંબઈના બંદરો મારફતે વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.
1 કિલોગ્રામ બૂમલાંનો ભાવ 500 થી 4000 રૂપિયા
માછીમારીની સિઝન સામાન્ય રીતે ચાર થી છ મહિના સુધી ચાલે છે. ખાસ કરીને નવેમ્બરથી એપ્રિલ સુધી આ સિઝન ચાલે છે. આ સમય દરમિયાન દરિયાઈ હવામાન અનુકૂળ હોય છે. એક બોટ સરેરાશ 5 લાખ થી 8 લાખ રૂપિયા સુધીનો માલ દરિયાથી લાવે છે. માછલીના ભાવમાં પણ ગુણવત્તા અને નિકાસ બજાર અનુસાર ભારે તફાવત હોય છે. 1 કિલોગ્રામ બૂમલાં માછલીનો ભાવ 500 થી 4000 રૂપિયા સુધી પહોંચે છે.
વિશ્વના દરિયાઈ નકશામાં નાનકડા શહેરે મેળવ્યું પોતાનું સ્થાન
બૂમલાં માછલીના નિકાસથી માત્ર જાફરાબાદ નહિં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આર્થિક લાભ થાય છે. દર વર્ષે વિદેશી માંગ વધવાથી સ્થાનિક માછીમારો માટે રોજગારની તકો વધે છે. અનેક માછીમારો આજે આ ક્ષેત્રમાંથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આ રીતે જાફરાબાદ માત્ર માછીમારોનું બંદર નથી, પરંતુ એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે દરિયાઈ સંપત્તિ અને સ્થાનિક મહેનત દ્વારા એક નાનકડું શહેર વિશ્વના દરિયાઈ નકશામાં પોતાનું સ્થાન મેળવી શકે છે.

