અમરેલી જિલ્લાના ચિતલમાં વંદે ભારતને સ્ટોપેજ મળતા ખુશીની લાગણી, લાઠીના લોકોમાં નારાજગી

અમરેલી જિલ્લાના રેલવે ઈતિહાસમાં આજે સોમવારનો દિવસ મહત્વનો રહ્યો. જિલ્લાના ચિતલ ગામ ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપ ફાળવવામાં આવ્યા બાદ આજે પહેલીવાર વંદે ભારત ટ્રેન ચિતલ રેલવે સ્ટેશને આવી હતી. સવારે 09:45 કલાકે રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના ઊર્જા મંત્રી, સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. તો બીજી તરફ લાઠી શહેરને સ્ટોપ ન મળતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે.
અમરેલી જિલ્લાના મુસાફરોને શું થશે લાભ?
ચિતલ ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટેશન શરૂ થવાથી અમરેલી જિલ્લાના મુસાફરોને અમદાવાદ અને સોમનાથ જેવા મહત્વપૂર્ણ શહેરો માટે ઝડપી તેમજ સુવિધાજનક રેલવે કનેક્ટિવિટી મળી રહે છે. આ સુવિધાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાતો ઉપરાંત સોમનાથ જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મોટો લાભ મળશે. રેલવે કનેક્ટિવિટી વધવાથી વેપાર, પ્રવાસન, શિક્ષણ, રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે અવરજવર વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
લાઠી શહેરને સ્ટોપ ન મળતા સ્થાનિક લોકોમાં નારાજગી
એક તરફ ચિતલને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ લાઠી શહેરને આ ટ્રેનનું સ્ટોપ ન ફાળવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે લાઠી તાલુકામાંથી જ સાંસદ ભરતભાઈ સુતરીયા, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા જેવા પ્રતિનિધિઓ હોવા છતાં લાઠીવાસીઓને આ સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. લાઠીને સ્ટોપ ન મળવાના કારણે લોકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

