Amreliમાં સતત બીજા દિવસે ભૂકંપ: 30 કલાકમાં 14 વખત ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું મીતીયાળા પંથક ફરી એકવાર ભૂકંપને કારણે ધ્રૂજી ઉઠ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. છેલ્લા 30 કલાકના ટૂંકા ગાળામાં જ આ પંથકમાં નાના-મોટા કુલ 14 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે. ગઈકાલથી શરૂ થયેલો આ ભૂકંપનો સિલસિલો આજે સવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો.
મીતીયાળા અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા આંચકાઓમાં સૌથી વધુ તીવ્રતા રાત્રે 1:14 મિનિટે 3.0ની નોંધાઈ હતી, જે આ શ્રેણીનો સૌથી મોટો આંચકો હતો. ત્યારબાદ રાત્રે 1:37 મિનિટે 1.1 અને આજે સવારે 8:58 મિનિટે 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત ગઈકાલે રાત્રે 4:15 વાગ્યા પછી પણ સતત નાના-નાના આંચકાઓનો અનુભવ થતો રહ્યો હતો, જેનાથી ધરા સતત ધ્રૂજતી હોવાની પ્રતીતિ ગ્રામજનોને થઈ હતી.
આ કુદરતી આફતની અસર માત્ર મીતીયાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની આસપાસના અનેક ગામોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાસ કરીને ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળા સહિતના ગામોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગાંધીનગર સિસમોલોજી વિભાગે આ તમામ આંચકાઓની પુષ્ટિ કરી છે.

