Amreli News: સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં એકનું મોત, 23 ઈજાગ્રસ્ત

અમરેલીના સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. પાલિતાણાના ગંઢોળ ગામેથી દીકરીને તેડવા આવેલા પરિવારજનોને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. આ ખરાબ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ બનાવમાં 23 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, તેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અચાનક બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત થયો
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના સેંજળ ગામેથી દીકરીને તેડીને પાલિતાણા જવા નીકળેલા પરિવારજનોને અકસ્માત નડ્યો હતો. જેમાં સેંજળ પાસે અચાનક બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.
ધારાસભ્ય મહેશ કસવાળા ઘટના સ્થળે પહોંચ્યા
અકસ્માતને લઈને સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોને ચાર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 8 જેટલાં ઈજાગ્રસ્તોને વંડા સેન્ટર પર સારવારમાં ખસેડાયા હતા. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જેમાં 6 વ્યક્તિને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા.

