VIDEO: લાઠીના દુધાળા ગામે અમિત શાહે ગુજરાત ગૌરવ સરોવરનું કર્યું લોકાર્પણ, જનસભાને સંબોધી
અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય આગમન થયું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દુધાળા પહોંચ્યા હતા અને 80 હજાર ચોરસ મીટર ફૂટ વિસ્તારમાં નિર્મિત અને અંદાજે 23 કરોડ લીટર પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવતા ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકાર્પણ બાદ અમિત શાહે સભા સંબોધી હતી.
ગુજરાત ગૌરવ સરોવરમાં 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ
દુધાળા ખાતે 80 હજાર ચોરસ મીટર ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલા ગુજરાત ગૌરવ સરોવરમાં અંદાજે 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. ચાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ ગુજરાત ગૌરવ સરોવર સ્થાનિક વિસ્તારમાં પાણી સંચય અને જળસંગ્રહની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.શાહે સવજીભાઈ ધોળકિયા વિષે જણાવ્યું હતું કે પદ્મશ્રી માટે અરજી નહોતી કરી છતાં પદ્મશ્રી મળી ગયો ત્યારે 208 જેટલા તળાવો બનાવે તેને અરજી કરવી પડે તો અમારી સરકાર નકામી કહેવાય. પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન એ ઓળખીતા માટે નહિ પણ દેશ માટે જીવન સમર્પિત કરે તેને માટે હોય છે.

