VIDEO: Amreli ભાજપમાં ખળભળાટ; શાસક પક્ષના જ પૂર્વ સદસ્યએ લીલીયા પંથકમાં ચાલતા કાળા કારોબાર સામે મુખ્યમંત્રીને કરી રજૂઆત
અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે લીલીયા પંથકમાં બિનઅધિકૃત પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. તેમણે લીલીયા તાલુકામાં બેફામ ચાલતા ગેરકાયદે રેતી ખનન અને દારૂના વેચાણ અંગે રજૂઆત કરી એસપી સંજય ખરાતની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ
વિપુલ દુધાતે પત્રમાં જણાવ્યા મુજબ, સરકાર દ્વારા વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં લીલીયા પંથકના 37 ગામોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને ગેરકાયદે રેતી ખનન પણ ધમધમી રહ્યું છે. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો તેમજ કોથળીઓના ઢગલા જોવા મળે છે, જે રાજ્યમાં દારૂબંધીના કડક અમલની મજાક ઉડાવે છે.
પત્રમાં કરાયેલા મુખ્ય આક્ષેપો
•દારૂનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે લીલીયા શહેર અને તાલુકામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન દારૂ પીવાથી અંદાજે 75થી 80 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
•ગેરકાયદે રેતી ખનનમાં રોકાયેલા બેફામ વાહનોની હડફેટે આવવાથી પણ અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે.
•અમરેલીના એસપી સંજય ખરાતની અંદરખાને રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો વિપુલ દુધાતે ખુલ્લો આક્ષેપ કર્યો છે અને કામગીરી માત્ર કાગળ પર જ દર્શાવાતી હોવાનું જણાવ્યું છે.
•ભોરીંગડા વેળાવદર ચોકડી, નાના લીલીયા ચોકડી, લીલીયા ઉમિયા સર્કલ અને અંટાળીયા મહાદેવ ચોકડી ખાતે મૂકેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તાત્કાલિક ચેક કરવાની માંગ કરવામાં આવી છે.
•કેમેરા બંધ છે, ડિલીટ થઈ ગયા છે કે ખરાબ થઈ ગયા છે તેવો રિપોર્ટ અધિકારીઓ રજૂ કરે તે પહેલાં જ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવે તો ગેરકાયદે રેતી ખનન અને હેરાફેરીનું સમગ્ર સત્ય બહાર આવી જશે.
આ મુદ્દે શાસક પક્ષના જ પૂર્વ નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અને પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

