VIDEO: દાણીલીમડામાં પત્ની સાથે વાતચીત કરવા મુદ્દે યુવક પર હુમલો, રોષે ભરાયેલા પતિ સહિત 4 શખ્સો દંડાઓ સાથે તૂટી પડ્યા
અમદાવાદમાં ઘરની સામે રહેતી પરણિત મહિલા સાથે વાતચીત કરવા મુદ્દે યુવક પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ યુવકને રસ્તા પર દોડાવી દોડાવીને લાકડાના દંડાથી માર માર્યો હતો. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મહિલાના પતિ સહિત ત્રણ અજાણ્યા શખ્સોનો હુમલો
જમાલપુરના નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યાસર મહંમદહનીફ લેલી કારખાનું ચલાવે છે. થોડા સમય અગાઉ યાસરની તેના ઘરની સામે રહેતી એક યુવતી સાથે મિત્રતા હતી. આ બાબતની જાણ યુવતીના પરિવારજનોને થતાં આશરે 15 દિવસ પહેલાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, સમાજના આગેવાનોએ દરમિયાનગીરી કરીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. સમાધાન થયા બાદ પણ જૂની અદાવત રાખીને મહિલાના પતિ મોઈન સહિત ત્રણ અજાણ્યા શખ્સો દાણીલીમડા સિકંદર માર્કેટ ખાતે યાસરના કારખાને પહોંચ્યા હતા. તે સમયે કારખાનાની બહાર યાસર તેના મિત્ર યાસીનભાઈ સાથે હાજર હતો. ચારેય શખ્સોએ અચાનક યાસર પર લાકડાના દંડાથી હુમલો કરી દીધો હતો.
માથાના ભાગે લાકડાના દંડા માર્યા
હુમલા દરમિયાન મોઈને યાસરના માથાના ભાગે લાકડાના દંડાથી બે-ત્રણ ફટકા માર્યા હતા. ગંભીર મારથી યાસર લોહીલુહાણ થઈને નીચે પડી ગયો હતો. ત્યારબાદ હુમલાખોરોએ તેને ધમકી આપી હતી કે, 'તને હજુ ઘરે મારીશું.' દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત યાસરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સમગ્ર ઘટનાને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મોઈન સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

