Ahmedabad / પોલીસમાં ફરિયાદ કેમ કરી? કહી પૂર્વ પ્રેમીએ યુવતી પર કર્યો જીવલેણ હુમલો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સંબંધોની તકરાર અને પોલીસ અરજીની અદાવતમાં ગોતા ખાતે પ્રોડક્શન હાઉસ ધરાવતી 33 વર્ષીય યુવતી પર તેના પૂર્વ પ્રેમી અને તેના સાગરીતે લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ સ્થિત નૈયા પેરેડાઇઝ સોસાયટીના ગેટ પાસે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાઈરલ થયા છે. બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં કીશુ ચાવલા અને સાગર નારાણિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અગાઉ રિલેશનશિપમાં હતા, અદાવતમાં રામોલ પોલીસ સ્ટેશનમાં થઈ હતી અરજી
મળતી માહિતી અનુસાર, ગોતા ખાતે પ્રોડક્શન હાઉસ ચલાવતી યુવતી અને વસ્ત્રાલમાં મોડેલિંગની ઓફિસ ધરાવતો કીશુ ચાવલા અગાઉ પાંચેક વર્ષ સુધી રિલેશનશિપમાં સાથે રહેતા હતા અને દોઢ વર્ષ પહેલાં બંને અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ કીશુ અન્ય યુવતીઓ સાથે પણ સંબંધમાં આવ્યો હતો. પહેલી ઓક્ટોબરે કીશુએ યુવતીને ફોન કરીને તેની અન્ય મહિલા મિત્રોને ન મળવા દબાણ કરતાં બોલાચાલી થઈ હતી. કીશુના અવારનવાર અલગ-અલગ છોકરીઓ સાથેના સંબંધો બાબતે ત્રણ યુવતીઓએ સાથે મળી રામોલ પોલીસ સ્ટેશનમાં કીશુ ચાવલા, સાગર નારાણિયા અને તુષાર નંદગીરી સામે અરજી આપી હતી.
જાનથી મારી નાખવાની ધમકી
પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ત્રણેય યુવતીઓ છૂટી પડી રહી હતી, ત્યારે ભોગ બનનાર યુવતી પોતાની મિત્રને વસ્ત્રાલ ખાતે આવેલી નૈયા પેરેડાઇઝ સોસાયટીના ગેટ પાસે મૂકવા ગઈ હતી. તે સમયે ત્યાં અગાઉથી હાજર સાગર નારાણિયા અને કીશુ ચાવલાએ તેમને ઘેરી લીધી હતી. સાગરે ઉશ્કેરાઈને 'તમે લોકો અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કેમ ગયા હતા?' તેમ કહી ગાળો ભાંડી ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં નજીકમાંથી લાકડાનો દંડો લાવી ડાબા હાથે, ખભા પર તથા પગના ભાગે ફટકારી દીધો હતો.
હુમલા દરમિયાન કીશુ ચાવલાએ પણ યુવતીને ધમકી આપી હતી કે હવે પછી આ લોકો સાથે મિત્રતા રાખીશ તો તને જાનથી મારી નાખીશ. યુવતીએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો એકઠા થઈ જતાં બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રામોલ પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

