Video/ 'યુવાનોને બગાડનારા ગુજરાતનો આવો મંત્રી કોણ છે?', જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો સવાલ
ગુજરાતમાં વ્યાપી રહેલા દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના દૂષણોને લઈને આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. મેવાણીએ રાજ્યની કથળેલી કાયદો-વ્યવસ્થા માટે સીધું જ ગૃહ વિભાગને જવાબદાર ઠેરવતાં ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી અને પોલીસ તેમજ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા.
પોલીસ અને સરકાર પર સીધો આક્ષેપ
મેવાણીએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર થઈ રહ્યો છે અને આ પાછળ રાજ્યની સરકાર અને પોલીસની રહેમ નજર છે. તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ને સવાલ કર્યો કે, "માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સામે જ શા માટે કાર્યવાહી કરો છો, જિલ્લા પોલીસ વડાને કેમ સવાલ નથી કરતા?" તેમણે પોલીસના ગ્રેડ પેના મુદ્દાને ઉઠાવતા કહ્યું કે, ડીજીપીએ પોલીસ કર્મચારીઓની ચિંતા કરી છે ત્યારે ગ્રેડ પે આપવા પર પણ ધ્યાન આપવું જોઈએ.
મેવાણીએ થરાદની સભામાં આપેલા પોતાના નિવેદન પર અડગ રહેતા કહ્યું કે, જે પણ પોલીસ દારૂ અને ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા છે, તેમના પટ્ટા ઉતારવા જોઈએ.
ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને સવાલ
ધારાસભ્ય મેવાણીએ આ મુદ્દે સરકારના મૌન પર આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે સવાલ કર્યો કે, "ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ક્યારેય નથી જોયો." તેમણે રાજ્યના મંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષે તેમના નિવેદનોનો જવાબ આપ્યો, પણ એવું ન કહ્યું કે 'હવે દારૂ-ડ્રગ્સ નહીં વેચવા દઈએ.'
મેવાણીએ મુખ્યમંત્રીને ટાર્ગેટ કરતા પૂછ્યું કે, આટલા ગંભીર મુદ્દે મુખ્યમંત્રી ચિંતન શિબિરમાં કેમ વ્યસ્ત છે અને શા માટે કોઈ નિવેદન નથી આપતા? તેમણે ગુજરાતના યુવાનોને બગાડનારા "ગુજરાતનો આવો મંત્રી કોણ છે?" તેવો સીધો સવાલ ઉઠાવ્યો.
ડ્રગ્સ અને દારૂ સામે કોંગ્રેસની હેલ્પલાઇન
મેવાણીએ આ તબક્કે કોંગ્રેસ પક્ષની આગામી રણનીતિ પણ જાહેર કરી હતી. તેમણે જાહેરાત કરી કે, કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં દારૂ અને ડ્રગ્સ બાબતે ટોલ ફ્રી હેલ્પલાઇન (નંબર) શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, જુદા જુદા જિલ્લાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓના નામ અને નંબર પણ જાહેર કરવામાં આવશે, જેથી લોકો દારૂ અને જુગારની ફરિયાદ કરી શકે.
મેવાણીએ રાજ્યના DGPને ચેલેન્જ આપી છે કે તેઓ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવી દે. સાથે જ, સરકાર દારૂ અને ડ્રગ્સ સામેની બ્લુ પ્રિન્ટ અને રોડ મેપ લોકો સમક્ષ મૂકે તેવી માંગ કરી હતી. અંતે, મેવાણીએ આ કથળેલી સ્થિતિ બદલ ગુજરાતના ગૃહ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ દોહરાવી હતી.

