VIDEO: ગુજરાત પર ઘેરાતું જળસંકટ / 22થી વધુ તાલુકાઓમાં ભૂગર્ભજળનો આડેધડ વપરાશ
ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તરને લઈને કેન્દ્ર સરકારનો એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, રાજ્યના 181 તાલુકાઓમાં હાલ પૂરતું ભૂગર્ભ જળ સલામત છે, પરંતુ બાકીના વિસ્તારોમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સરકારી આંકડા મુજબ, રાજ્યના 31 તાલુકાઓને 'સેમિ-ક્રિટિકલ' (અર્ધ-જોખમી) જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 3 તાલુકાઓ સંપૂર્ણપણે 'ક્રિટિકલ' (જોખમી) શ્રેણીમાં આવી ગયા છે. અમુક વિસ્તારોમાં ભૂગર્ભજળ આડેધડ રીતે ખેંચવામાં આવી રહ્યું છે.
આ વિસ્તારોમાંથી ભૂગર્ભજળ ખૂટી પડે તેવી ભીતિ
અહેવાલ અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દાંતીવાડા, ડીસા, દિયોદર, કાંકરેજ, વડગામ, દહેગામ, ગાંધીનગર, માણસા, કલોલ, પાટણ, ચાણસ્મા, મહેસાણા, બહેચરાજી, ખેરાલુ, બાવળા, અમદાવાદ સહિત 25 તાલુકાઓ એવા છે. જ્યાં તેમની ક્ષમતા કરતાં વધુ પડતું ભૂગર્ભ જળ ખેંચાઈ રહ્યું છે. ફેક્ટરીઓ અને ખેતીમાં બોરવેલ દ્વારા થતા અનિયંત્રિત જળદોહનને કારણે કુદરતી રિચાર્જની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. જો આ જ ગતિએ પાણી ખેંચવાનું ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ સંપૂર્ણપણે ખતમ થઈ જશે તેવી ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
વધુ પડતા પાણીના ઉપાડને કારણે જમીનની અંદરની નિવસનતંત્રની વ્યવસ્થા બગડી છે. ઉત્તર ગુજરાત સહિત વિવિધ 12 તાલુકાઓમાં ભૂગર્ભ જળમાં ખારાશ (ક્ષાર)નું પ્રમાણ ભયજનક સપાટીએ વધી ગયું છે. જમીનમાં પાણીના સ્તર ઘટતાં દરિયાઈ અથવા ક્ષારયુક્ત પાણી અંદર ઉતરી રહ્યું છે.
આ દૂષિત અને ક્ષારવાળું પાણી માનવ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. આ પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે તો, પથરી, હાડકા અને દાંતના રોગો સહિત પાચનતંત્રની ગંભીર બીમારીઓ થવાનો ખતરો વધ્યો છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલો આ અહેવાલ ગુજરાત માટે લાલબત્તી સમાન છે. જો અત્યારથી જ વોટર હાર્વેસ્ટિંગ (જળ સંચય) અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે કડક નિયમો અને જનજાગૃતિ અભિયાન નહીં ચલાવવામાં આવે, તો ભવિષ્યમાં પીવાના પાણી માટે પણ ફાફા થઈ શકે છે.

