Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Violent assault on Gujarat college campus: BSc student assaulted, gets 3 stitches on head

VIDEO: ગુજરાત કોલેજ કેમ્પસમાં હિંસક મારામારી: BScના વિદ્યાર્થી પર હુમલો, માથામાં આવ્યા 3 ટાંકા

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Gujarat College ABVP Workers Attack: ગુજરાત કોલેજ કેમ્પસમાં ગઈકાલે જૂની અદાવતનો ખાર રાખીને ABVPના કેટલાક કાર્યકર્તાઓએ એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 5 થી 7 શખ્સોના ટોળાએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો, જેમાં તેનું માથું દીવાલ સાથે ભટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. આ મારામારી અને ગુંડાગીરીનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

App Store

શું છે સમગ્ર મામલો?

મૂળ ગોધરાનો વતની અને હાલ અમરાઈવાડીમાં રહેતો ધ્રુવરાજસિંહ સોલંકી ગુજરાત કોલેજમાં B.Sc. સેમેસ્ટર 5માં અભ્યાસ કરે છે. બનાવના દિવસે તે કોલેજ પરિસરમાં આવેલા નેહરુ હોલ સામે પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે સમયે ABVPનો કાર્યકર પ્રિન્સ દેસાઈ, આર.બી. મુધવા, રામ અને તેમની સાથે આવેલા અન્ય અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા. તેમણે કોઈ પણ પ્રકારની વાતચીત કે બોલાચાલી કર્યા વિના જ ધ્રુવરાજસિંહ પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલામાં યુવક નીચે પડી ગયો હતો અને દીવાલ સાથે માથું અથડાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

જીવલેણ હુમલામાં 3 ટાંકા લેવાની નોબત આવી

ધ્રુવરાજસિંહને લોહીલુહાણ હાલતમાં જોઈને આસપાસના વિદ્યાર્થીઓ અને લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં એલિસબ્રિજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે ઊંડો ઘા હોવાથી તેને 3 ટાંકા લેવાની નોબત આવી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર ધ્રુવરાજસિંહની ફરિયાદના આધારે પોલીસે પ્રિન્સ દેસાઈ સહિતના હુમલાખોરો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાર્થી સંગઠનના નામે શિક્ષણના ધામમાં દાદાગીરી!

શિક્ષણના ધામ ગણાતી ગુજરાત કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થી પર થયેલો આ હિંસક હુમલો અત્યંત ચિંતાજનક છે. વિદ્યાર્થી સંગઠનના નામે વિદ્યાધામોમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. જે વિદ્યાર્થી સંગઠનોનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓના હિત, શિસ્ત અને અધિકારોનું રક્ષણ કરવાનું હોય, તેના જ કાર્યકરો જો જૂની અદાવતમાં આવી હિંસક ગુંડાગીરી પર ઊતરી આવે તો સામાન્ય વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું? ધોળે દહાડે કેમ્પસની અંદર બનેલી આ ઘટના કોલેજ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કરે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં બનતી આવી ઘટનાઓમાં માત્ર કેસ નોંધવા પૂરતો જ નહીં પરંતુ કડક પગલાં ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.